ગુજરાત પોલીસ
http://www.police.gujarat.gov.in

પરિચય

5/25/2022 4:29:42 PM

પરિચય (Introduction):

કચેરીના ઇતિહાસ સાથેની માહિતી:

ગુજરાત રાજ્ય સને ૧૯૬૦ના મે માસની  ૧લી તારીખે, બૃહદ મુંબઈ (મહારાષ્ટ્ર) રાજ્યમાંથી જુદા થઈ નવા રાજ્ય તરીકે  અસ્તિત્વમાં આવ્યું છે અને અલગ રાજ્યના અસ્તિત્વ સાથે ગુજરાત પોલીસ પણ નવી રૂપરેખા સાથે કાર્યરત થયું છે અને જેના વડા તરીકે આઇ.જી.પી. કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદ સને ૧૯૮૨ના વર્ષમાં આ જગ્યા અપગ્રેડ કરી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરીકે નવા હોદ્દાનું નામાભિધાન કરવામાં આવ્યું છે.

રાજ્ય પોલીસ વિભાગના વડા તરીકે DG & IGP નું મહત્વ:

    પોલીસ મહાનિદેશકશ્રીની કચેરી પોલીસ વિભાગનું મુખ્ય કેન્દ્રબિંદુ છે અને પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત પોલીસના વડા છે. સરકારની તમામ નીતિઓ, આદેશો, નિર્દેશો તથા સૂચનાઓનું પાલન અને કાર્યરત કરાવવાની તમામ કાર્યવાહી તેમ જ ગૃહ વિભાગ તરફથી વખતોવખત થતાં આદેશોનું તેમ જ પોલીસ વિભાગને લગતી અન્ય જરૂરી સૂચનાઓ, સ્થાનિક હુકમો તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંબંધિત જરૂરી સૂચનાઓ તેમ જ પોલીસતંત્રને સુદ્રઢ બનાવવાની, આધુનિકીકરણ કરવાની, અનુશાસનનું પાલન કરાવવાની તમામ કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવે છે.

પોલીસ મેન્યુલ ભાગ-૩ મુજબ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને ગુનાખોરી ઉપર નિયંત્રણ રાખવાની મુખ્ય જવાબદારી પોલીસ મહાનિદેશકશ્રીની છે. પોલીસ ખાતું ગૃહવિભાગના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યું છે.

DG & IGP કચેરીની જવાબદારીઓ:

પોલીસ મહાનિદેશકશ્રીની કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ મહાનિદેશકશ્રી (કાયદો અને વ્યવસ્થા)ની નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓની મુખ્ય કામગીરી કાયદો અને વ્યવસ્થાને લગતા તમામ મુદ્દાઓ અંગે પોલીસ મહાનિદેશકશ્રીના માર્ગદર્શન મુજબ નિરીક્ષણ કરી વહન કરવાની છે. આ ઉપરાંત ડી.આઇ.જી.પી.શ્રી (કાયદો અને વ્યવસ્થા)ની નિમણૂંક કરવામાં આવેલ છે, જેઓ પોલીસ મહાનિદેશકશ્રી, (કાયદો અને વ્યવસ્થા) ના માર્ગદર્શન મુજબ કાયદો અને વ્યવસ્થા તથા ક્રાઇમ સંબંધી કામગીરી કરે છે.

વહીવટી કામગીરીની સરળતા અને નિરીક્ષણ સબબ અધિક પોલીસ મહાનિદેશકશ્રી (વહીવટ)ની નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓની સીધી દેખરેખ હેઠળ એ-૧, એ-ર, બી, ઇ, બજેટ, હિસાબી, પેન્શન, એફ, એમ, જે.એમ.ટી., રજિસ્ટ્રી, રેકર્ડ, પી.આર.ઓ. વગેરે શાખાઓ આવેલ છે. જ્યાંથી કચેરીની વહીવટી તેમજ નાણાંકીય કામગીરી કરવામાં આવે છે.

પોલીસ રિફોર્મ્સની કામગીરી અર્થે અધિક પોલીસ મહાનિદેશકશ્રી (પી.આર.એમ.)ની નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓ પોલીસ ખાતામાં જરૂરી સુધારણા હેતુ સબબ ફરજ બજાવે છે.

સમાજના નબળા અને પછાત વર્ગોના ઉત્થાન માટે અને તેઓ વિરુદ્ધના થતાં અન્યાય સંબંધે અધિક પોલીસ મહાનિદેશકશ્રી (એસ.સી./એસ.ટી. એન્ડ વીકર સેક્શન)ની નિમણૂંક કરવામાં આવેલ છે. જે રાજ્યના એસ.સી./એસ.ટી.ના પ્રશ્નો અને ગુનાઓ સંબંધેની રજૂઆતો અંગે માર્ગદર્શક અને સૂચનાત્મક ફરજ બજાવે છે.

માનવઅધિકાર અને સામાજિક ન્યાય સબંધેની કામગીરી અર્થે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (માનવ અધિકાર અને સામાજિક ન્યાય)ની નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓ મુખ્યત્વે માનવ અધિકાર અને સામાજિક ન્યાયને લગતાં પ્રશ્નો-રજૂઆત અંગેની ફરજ નિભાવે છે.

પોલીસ તંત્રને અતિ આધુનિક શસ્ત્રોથી સુસજ્જ કરવા પોલીસ કચેરીઓને જરૂરી સંસાધનો પૂરા પાડવાની કામગીરી માટે પોલીસ મહાનિરિક્ષકશ્રી (પી. એન્ડ એમ.) કાર્યરત છે.

પોલીસ અધિકારી/કર્મચારીઓ વિરુદ્ધમાં થયેલા ગંભીર આક્ષેપો અને ગુનાઓ સંબંધી કામગીરી માટે અધિક પોલીસ મહાનિદેશકશ્રી (તપાસ)ની નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓ ડી.જી.પી.શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ કેસોની છણાવટ કરી યથાયોગ્ય નિકાલ કરે છે તેમજ રાયોટ સેલ પણ અત્રેની કચેરી ખાતે કાર્યરત છે.

પોલીસ મહાનિદેશકશ્રીની કચેરી ખાતે સ્ટેટ પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે જે રાજ્યભરમાં રોજબરોજ બનતા ગંભીર ગુનાઓ તથા અગત્યના બનાવો અંગેની વિગતવાર માહિતી મેળવી દરેક સંબંધકર્તા અધિકારીશ્રીઓને વાકેફ કરે છે અને તેઓશ્રીનાં જરૂરી સૂચનો અને માર્ગદર્શન મુજબ સંબંધિત અધિકારીઓને મેસેજની જાણ કરવાની તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંબંધે પોલીસ ફોર્સની મુવમેન્ટની પણ ફરજ બજાવે છે. કન્ટ્રોલ રૂમ સંબંધેની કામગીરી અર્થે નાયબ પોલીસ અધીક્ષકશ્રીની નિમણૂંક કરવામાં આવેલ છે તેમ જ ત્રણ શિફ્ટમાં પો.ઇ./પો.સ.ઇ. તેમજ અન્ય જરૂરી સ્ટાફ ર૪ કલાક ફરજ પર કાર્યરત રહે છે.

 

 

રાજ્યમાં પોલીસ વિભાગ ધ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણીના હેતુ સબબ કમિશનરરેટ/રેન્જ/જિલ્લાઓનો સમાવેશ થાય છે.

  • કમિશનરરેટ વિસ્તાર --

૧.) અમદાવાદ શહેર  ૨.) વડોદરા શહેર  ૩.) રાજકોટ શહેર  ૪.) સુરત શહેર એમ ચાર કમિશનરરેટ વિસ્તાર આવ્યા છે. જે શહેરો પોલીસ કમિશનરશ્રીની સત્તા હેઠળ આવે છે.

 

  • રેન્જ વિસ્તાર --

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, સરહદી રેન્જ, પંચમહાલ-ગોધરા અને ભાવનગર એમ કુલ નવ રેન્જ છે.

 

  • જિલ્લા --

ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન રેલવે, વડોદરા તથા અમદાવાદ સહિત કુલ - ૩૬ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ પોલીસ અધીક્ષકશ્રીની સત્તા હેઠળ આવેલ છે.

પોલીસ મહાનિદેશકશ્રી હસ્તકની અન્ય શાખાઓ અને એકમો નીચે દર્શાવ્યા મુજબ રાજ્ય સ્તરે કાર્યરત છે.

  • પોલીસ મહાનિદેશકશ્રી, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ. -- રાજ્યની ગુપ્તચર સંસ્થા છે. આંતરિક સલામતી અંગેની તમામ ગુપ્ત માહિતીનું સંગ્રહ / સંકલન કરી ઉપલબ્ધ કરાવે છે.
  • પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલવેઝ -- રાજ્યના ગુનાઓ, ગુનાખોરી અંગેની અને ગુનાઓ અંગે લક્ષ્યાંક મુજબની કામગીરી થાય છે કે નહીં તેમ જ વધતા ગુના અટકાવવા સંબંધે જરૂરી સૂચના અને માર્ગદર્શન વગેરેનું આયોજન કરવાની ફરજ બજાવે છે.
  • પોલીસ મહાનિદેશકશ્રી,  હથિયારી એકમ -- તેઓશ્રી ગુજરાત રાજ્યના રાજ્ય અનામત પોલીસ દળના તમામ ૨૦ જૂથોના વડા છે. જેઓના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ વહીવટી તથા સ્થળાંતર/ફાળવણીની ફરજ બજાવે છે.
  • અધિક પોલીસ મહાનિદેશકશ્રી, તકનીકી સેવાઓ -- તેઓશ્રી રાજ્યભરમાં પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ અને વાયરલેસ ગ્રીડ સંદેશાવ્યવહારનાં અન્ય સાધનો અને કોમ્પ્‍યુટરાઇઝેશન અંગેની તમામ કામગીરી તેઓ હસ્તક છે.
  • અધિક પોલીસ મહાનિદેશકશ્રી, તાલીમ -- તેઓશ્રી ગુજરાત રાજ્યના પોલીસ તાલીમ કેન્દ્રોના ઇન્ચાર્જ છે. જેઓ હસ્તક પોલીસ અકાદમી, કરાઈ / પોલીસ તાલીમ શાળા, વડોદરા / પોલીસ મહાવિદ્યાલય, જૂનાગઢ / રાજ્ય અનામત પોલીસદળ, તાલીમ કેન્દ્ર, સોરઠ (ચોકી), જૂનાગઢ વગેરે તાલીમ કેન્દ્રો તેઓશ્રીના હસ્તક છે. તેઓ દ્વારા પોલીસ વિભાગના અધિકારીઓ / કર્મચારીઓને જુદી જુદી તાલીમ આપવામાં આવે છે.
  • અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો -- રાજ્યભરના તમામ ક્રાઇમના હેડ અન્વયેની કામગીરી એસ.સી.આર.બી.માં થાય છે. હેડ મુજબ ગુનાઓ સંબંધેની માહિતી (ડેટા) એકત્ર કરી રાજ્યની માહિતી નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, ન્યુ દિલ્હીને પાઠવવાની ફરજ અદા કરે છે.

આ સિવાય પોલીસ મહાનિદેશકશ્રીની કચેરી હેઠળ આતંકવાદી વિરોધી દળ, સ્ટેટ મોનીટરીંગ સેલ, બી.ડી.ડી.એસ., કયુ.આર.ટી. કાર્યરત છે.

-----